અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં કેનેડા અને મેક્સિકોને લક્ષ્યાંક બનાવીને કેટલાક ટેરિફના અમલને આવતા મહિનાની શરૂઆત સુધી લંબાવ્યો છે. અમેરિકાના આ પગલાંથી કેનેડા સરકાર વળતી નવી કાર્યવાહીને અટકાવશે. આ પગલાંના કારણે નાણાકીય બજારોમાં ઉથલપાથલ પછી કંપનીઓ અને ગ્રાહકોને રાહત મળશે. ટ્રમ્પ દ્વારા 25 ટકા સુધીની ડ્યૂટી તાજેતરમાં લાગુ કરાયા પછી શેરબજાર પછડાયું હતું. અર્થશાસ્ત્રીઓએ ચેતવણી આપી હતી કે, કેટલીક નીતિ અમેરિકાના વિકાસને અસર કરી શકે છે અને ફુગાવો વધી શકે છે. પરંતુ ટ્રમ્પે ગત ગુરુવારે નોર્થ અમેરિકન ટ્રેડ એગ્રીમેન્ટ દ્વારા આવરી લેવાયેલી કેનેડા અને મેક્સિકોની આયાત માટે નવા ટેરિફના અમલમાં વિલંબ કરવાના આદેશોને મંજૂરી આપી હતી, જોકે તેમણે એવા સૂચનોને ફગાવ્યા હતા કે તેમના નિર્ણયો બજારની ઉથલપાથલ સાથે જોડાયેલા છે. આ અમલ 2 એપ્રિલ સુધી લંબાવવામાં આવ્યો છે જેનાથી ઓટોમેકર્સને રાહત મળી છે. ઓટો સેક્ટરમાં, ઉત્પાદન દરમિયાન પાર્ટસ નોર્થ અમેરિકામાંથી અનેકવાર બહાર મોકલવામાં આવે છે. અમેરિકામાં ત્રણ ઓટોમેકર્સ- સ્ટેલેન્ટિસ, ફોર્ડ અને જનરલ મોટર્સ સાથેની મંત્રણા પછી ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને યુનાઇટેડ સ્ટેટ્સ-મેક્સિકો-કેનેડા એગ્રીમેન્ટ (USMCA) અંતર્ગત આવનારા વાહનો પર એક મહિનાની છૂટછાટની જાહેરાત કરી હતી.