ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે ‘ગુજરાત સેમીકનેક્ટ કોન્ફરન્સ’ના ઉદ્ઘાટન પ્રસંગે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે બુધવારે જણાવ્યું હતું કે તેમનું રાજ્ય વૈશ્વિક સેમિકન્ડક્ટર ઉદ્યોગની માંગ-પુરવઠા શૃંખલાનો મહત્વપૂર્ણ ભાગ બનવાની તૈયારી કરી રહ્યું છે. આ કાર્યક્રમમાં મુખ્યપ્રધાનની હાજરીમાં 10 સમજૂતીપત્રો (એમઓયુ) પર હસ્તાક્ષર થયાં હતાં. આ સમીટમાં લોકલ ટુ વેલ્યુ ચેઇનનું નિર્માણ કરવા માટે રૂ.15,000 કરોડના રોકાણની પ્રતિબદ્ધતા વ્યક્ત કરાઈ હતી.
ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ચિપ સેક્ટરમાં રોકાણ આકર્ષવા માટે સેમિકન્ડક્ટર પોલિસી શરૂ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ, ગુજરાત વિશ્વના સેમિકન્ડક્ટર ઉદ્યોગની માંગ-પુરવઠા શૃંખલાનો એક મહત્વપૂર્ણ ભાગ બનવા માટે તૈયાર છે. આ આધુનિક વિશ્વમાં સેમિકન્ડક્ટર વિના ઔદ્યોગિક વિકાસની કલ્પના કરવી અશક્ય છે.”અહીં પૂરી પાડવામાં આવેલ અત્યાધુનિક સુવિધાઓને કારણે ગુજરાત સેમિકન્ડક્ટર ઉદ્યોગોની સ્થાપના માટે પસંદગીના સ્થળ તરીકે ઉભરી આવ્યું છે.
મુખ્યપ્રધાને કહ્યું કે, ગુજરાત ટેક્સટાઈલ, ફાર્મા, ડાયમંડ, કેમિકલ્સ, પેટ્રોકેમિકલ્સ, સિરામિક અને રિન્યુએબલ એનર્જી જેવા ક્ષેત્રોમાં અગ્રેસર છે.
ત્રણ દિવસીય ઈવેન્ટનો હેતુ ગુજરાતની આકર્ષક સ્થળ તરીકે દર્શાવીને રોકાણ ખેંચવાનો, રાજ્યના સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં મૂડીનો પ્રવાહ વધારવા, સ્થાનિક ઉદ્યોગોને વૈશ્વિક મૂલ્ય શૃંખલાઓમાં સંકલિત કરવાનો અને સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં નવીનતા માટેની રાજ્યની ક્ષમતામાં વધારો કરવાનો હતો